જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા

મહાવિદ્યાલય વિષે

સંસ્થાએ ખાદી અને ગ્રામોદ્યોગને લગતી વિવિધ પ્રવૃતિઓની સાથોસાથ ગાંધીજીની નઈ તાલીમની વિચારધારા મુજબનું શિક્ષણનું ઉત્તમ કામ કરેલ છે. બાળમંદિર અને પ્રાથમિક શિક્ષણથી શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી હતી. ૧૯૯૦ના વર્ષમાં સંસ્થા દ્વારા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અને ગાંધીવિચાર અર્થશાસ્ત્રી સ્વ. શ્રી જે. સી. કુમાંરપ્પાજીની સ્મૃતિમાં જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલયની ગઢડા (સ્વા.) ખાતે સ્થાપના કરવામાં આવી હતી. ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન ધો-૧૨ પછીનો ત્રણ વર્ષનો B.R.S. (Bachelor of Rural Studies)નો કોર્સ શરુ કરવામાં આવ્યો. જેના થકી ગ્રામવિકાસને માટે સમર્પિત એવા કૃષિ સ્નાતકો તૈયાર થઇ શક્યા છે. B.R.S. શરુ થયાને એક દસકા પછી જુલાઈ-૨૦૦૦થી સંસ્થાએ ગઢડા (સ્વા.)ના મુખ્ય કેન્દ્ર ખાતે ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન સ્વનિર્ભર સમાજકાર્ય પારંગત (Master of Social Work - MSW)નો કોર્સ શરૂ કર્યો. વ્યવસાયિક સમાજકાર્યના ક્ષેત્રે આજે ગુજરાતના અંતરીયાળ ગામો અને રાજ્ય બહાર પણ ઘણા ઉત્તમ સામાજિક કાર્યકરો કાર્યરત છે. સમાજકાર્ય પારંગત (MSW)નો આ કોર્સ પુખ્ત થતા ૨૦૦૯ના વર્ષમાં સમાજકાર્યનો સ્નાતક કક્ષાનો કોર્સ Bachelor of Social Work - BSWની શરૂઆત કરવામાં આવી. આમ, ગઢડા કેમ્પસ ખાતે B.R.S., B.S.W. અને M.S.W.ના અભ્યાસક્રમોમાં કુલ મળી ૪૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલ છે. જીવાનશાળા આંબરડી (જામ) ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું ઉત્તમ કામ થઇ રહેલ છે. જેમાં કુલ ૧૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલ છે. ગોપાલધામ ખાતે આશ્રમશાળા, જીવનશાળા, B.Ed. અને P.T.C.માં કુલ મળી ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલ છે. જે સંસ્થાની પ્રગતિ દર્શાવે છે.

અહીં સવાલ એ થાય કે સંસ્થાની ઉત્તરોતર પ્રગતિ થવાનું કારણ શું? દેખીતું કારણ એ છે કે આ સંસ્થાને ગાંધીવિચારને વરેલા મહાનુભાવો, કર્મશીલો અને કાર્યકરોનું નેતૃત્વ મળ્યું છે. ગ્રામવિકાસના અનોખા પ્રયોગવીર, સર્વોદય કાર્યકર અને જાણીતા કર્મશીલ એવા શ્રી છેલભાઈ શુક્લ સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી છે. તેઓ આજે પણ અવનવા સંશોધનો થકી ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉત્તમ કાર્ય કાર્ય કરી રહ્યા છે. સંસ્થાના વિવિધ કાર્યકરો સંસ્થાના હાથ-પગ છે. કાર્યકરોની કાર્યનિષ્ઠા જ સંસ્થાની પ્રગતિનું મુખ્ય રહસ્ય છે.

ગાંધીવિચાર આજે પણ પ્રસ્તુત છે. બદલાતા જતા પરિપેક્ષ્યમાં ગાંધીવિચાર વધુ લોકભોગ્ય બને તે માટે સંસ્થા હંમેશા કાર્યરત રહેશે.

ગાંધીવિચારનો જય થાઓ