જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા

ટ્રસ્ટ વિષે

સંસ્થાની સ્થાપના - અનોખો ઈતિહાસ

દેશની કોઈ સંસ્થા કોઈ રાજવીના શુભ સંકલ્પમાંથી અને તેમના માતબર અનુદાનથી શરૂ થઇ હોય તેવો આ એક માત્ર દાખલો છે. આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો ત્યારે દેશની ચાલીસ ટકા (૪૦%) પ્રજા રાજવીઓના રજવાડાઓમાં વહેંચાયેલી હતી. આ બધા રાજ્યો ભારતીય સંઘમાં વિલીનીકરણ પામે તો જ ભારત અખંડ, સમૃદ્ધ અને શક્તિશાળી બને તેમ હતું. ભાવનગરના અંતિમ રાજવી સદ્‌ગત પ્રજાવત્સલ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ બધાના આશ્ચર્ય વચ્ચે પૂ. મહાત્મા ગાંધીજીના ચરણોમાં પોતાનું રાજ્ય ધર્યું. સાથોસાથ તેમણે પાંચ લાખ રૂપિયા ગાંધીજીના ચરણમાં મૂકી પૂ. બાપુ ઈચ્છે તેવી ગ્રામોત્થાનની પ્રવૃતિમાં વાપરવાની ઈચ્છા વ્યક્ત કરી. ગાંધીજીએ આ બંને વાતોનો સાનંદ-સાભાર સ્વીકાર કરી ગ્રામોત્થાનની પ્રવૃત્તિ માટે મળેલી રકમનો તત્કાલ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. મગનવાડીના સર્જક અને ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડો. જે. સી. કુમારપ્પાને ગાંધીજીએ બોલાવી તેઓને ગ્રામોદ્યોગ-ગ્રામોત્થાનની પ્રવૃત્તિ શરૂ કરવા સંસ્થા સ્થાપવા જણાવ્યું. કુમારપ્પાજીએ પૂ. બાપુની વાતને સ્વીકારી ગ્રામોત્થાનની પ્રવૃત્તિ કરવા સંમતિ આપી. આમ, ભાવનગરના વિદાય લેતા અંતિમ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીના શુભ સંકલ્પ, ગાંધીજીના આશીર્વાદ અને માર્ગદર્શન, કુમારપ્પાજી તથા ગઢડાના નગરશેઠ અને કર્મશીલ સ્વ. મોહનલાલ મોતીચંદ શેઠની સીધી જવાબદારી અને પ્રત્યક્ષ ભાગીદારીથી સંસ્થાનો શુભારંભ થયો. ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભાવનગરના મહારાણી શ્રીમતી વિજયા કુંવરબાના વરદ્ હસ્તે સંસ્થાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભૂમીને "કૃષ્ણવાડી" નામ આપવામાં આવ્યું હતું. મહાન વિભૂતિઓનું જે ભૂમિ સાથે નામ જોડાયેલું છે તે ભૂમિ આજે અનેક પ્રવૃતીઓથી ધમધમી રહી છે.

સંસ્થાના ખાદી-ગ્રામોદ્યોગના વિભાગો

સંસ્થાની સ્થાપનાની શરૂઆતથી જ લોકોપયોગી પ્રવૃતિઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. અત્યારે સંસ્થામાં નીચે મુજબના ખાદી-ગ્રામોદ્યોગના વિભાગો ચાલે છે:

૧.   ખાદી ઉત્પાદન અને વેચાણ

૨.   અખાદ્ય તેલ-સાબુ વિભાગ

૩.   સુથારી-લુહારી વિભાગ

૪.   તેલઘાણી વિભાગ

૫.   ખેતી વિભાગ

૬.   ગૌશાળા વિભાગ

૭.   મસાલા વિભાગ

૮.   બિનપરંપરાગત ઉર્જાના સાધનો

૯.   હાથકાગળ ઉત્પાદન અને વેચાણ

પર્યાવરણ એ આજની સળગતી સમસ્યા છે. સાઈઠના દસકામાં શરૂ કરાયેલ હાથકાગળ ઉદ્યોગ આજે પણ અવનવી વિવિધતા સાથે અડીખમ બની પર્યાવરણની સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તો બીજી બાજુ ગ્રામ ઈજનેરી વિદ્યાલય, રોજમાળ એ ઉર્જાના ક્ષેત્રે અવનવા સંશોધનો કરી ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવા લોકજાગૃતિ અને શિક્ષણનું ઉત્તમ કામ કરી રહેલ છે.

સંસ્થાના કેન્દ્રો

સંસ્થાના નીચે મુજબના કેન્દ્રો ઉપર ખાદી અને ગ્રામોદ્યોગની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવે છે:

૧.   ખાદી હાટ - મુખ્ય બજાર, ગઢડા (સ્વા.)

૨.   ખાદી ભંડાર - (સંસ્થા પ્રાંગણ) - ગઢડા (સ્વા.)

૩.   ગ્રામલક્ષ્મી ખાદી ભંડાર - જસદણ

૪.   ગ્રામશિલ્પ ખાદી ભંડાર - રાજકોટ

૫.   ગઢડાનો ખાદી ભંડાર - અમદાવાદ

૬.   ખાદી ગ્રામોદ્યોગ ભવન - બોટાદ

૭.   ગ્રામ ઈજનેરી વિદ્યાલય

હાલના ટ્રસ્ટીશ્રીઓ

આદ્ય ટ્રસ્ટીશ્રીઓ